શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની વાડી / જગ્યા આશરે ૧૬,૨૬૨.૪ ચો.ફૂટ (સોળ હજાર, બસ્સો બાંસઠ ફૂટ, ચાર ઈચ ચો.ફૂટ) જામનગર ગં.સ્વ.માં શ્રી કસરીબાઈ હીરજીભાઈ મેઘરાજ ઝીંઝુવાડીયા તરફથી વિ.સં. ૧૯૫૬ (ઈ.સં. ૧૯૦૦) માં સમાજને અર્પણ કરવામાં આવેલ જેથી આ જગ્યા “કસરીબાગ” તરીકે ઓળખાય છે.
જ્ઞાતિજનોના ઉપયોગ માટે સોપવામાં આવેલ જગ્યા કોટ વિસ્તારથી બહાર આવેલ છે. કોટ વિસ્તારની અંદર જે- તે સમયે આશરે આપણા સમાજની વસ્તી આશરે ૨૦૦ થી ૨૫૦ની હતી. અને આવવા-જવાના ટાંચા સાધનોના કારણે જ્ઞાતિ સમૂહ ભોજન સિવાય આ જગ્યાનો કોઈ ઉપયોગ સ્થાનિક સમાજ દ્વારા કરવામાં આવતો ન હતો, તેમજ તે સમયે ઘર આંગણે પ્રસંગો ઉજવવાનું મહત્વ હોવાથી આ જગ્યા બિનવપરાશી રહેવા પામેલ. હિન્દુસ્તાન આઝાદ થતા ઈ.સ. ૧૯૪૭ની સાલમાં પાકિસ્તાન સિંધમાં વસતા હિન્દુ સમાજનાં લોકો ભારતમાં શરણાર્થી તરીકે આવતા જામનગર શહેરમાં પણ શરણાર્થી ભાઈઓ આવેલ જેથી તેઓને તાત્કાલિક આશરો આપવા સતાધીશો દ્વારા આ જગ્યામાં વસાવવા સૂચના આપેલ. આશરે ૧૦ વર્ષ બાદ (૧૯૫૭) આ જગ્યા ખાલી પ્રાપ્ત થયેલ જે બાદ સતાધીશો દ્વારા આ જગ્યાનો ઉપયોગ મિલ્ટ્રી/પોલીસના ઉતારા માટે ક્યારેક થતો. સમાજની આવડી મોટી મિલકતની જાળવણી અને આવકનો સ્ત્રોત ઉભો કરવા જે-તે સમયના પટેલ ગો.વા. શ્રી છેલભાઈ ત્રિકમજી ગુસાણી તથા તેમના સાથી કાર્યકર્તાઓ દ્વારા આ જગ્યા તા. ૨૨-૫-૧૯૫૭થી માસિક રૂા. ૨૫૦/- ના ભાડાથી ઉનની કંદોરીના ઉપયોગ માટે – વોકર અંજારીયા પરિવારને આપેલ.
ક્રમશ: વસતિ વધારો થતાં અને સમાજને જગ્યાની જરૂરત ઉભી થતાં જગ્યાના અન્ય ભાડુઆતો પાસેથી ખાલી કરાવવા જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આ ભગીરથ કાર્ય સિદ્ધ કરવા શ્રી આણદાબાવા સેવા સંસ્થા જામનગરના બ્રહાલીન મહંત પ.પૂ. ગુરૂદેવ શ્રી શાંતિપ્રસાદજી મહારાજશ્રી ની સમજાવટથી અંજારીયા પરિવાર આ જગ્યા આપણા સમાજને પરત સોંપી આપવા વચનબદ્વ કરવામાં આવેલ અને આ રીતે તા. ૧૨-૬-૧૯૭૯ના રોજ જગ્યાનો કબજો પ.પૂ. બ્રહાલીન મહંતશ્રી શાંતિપ્રસાદજીના આશીવાર્દથી પ.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજશ્રી ની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલ. કબજા સમયે અન્ય ચાર જેટલા ભાડુઆતો હતાં જેઓની પાસેથી પણ જ્ઞાતિના ઘનિષ્ઠ કાર્યકર્તાઓની સમજાવટથી ક્રમશ: તે જગ્યાઓ પણ ખાલી કબજે મળતા સમગ્ર વાડીની જગ્યા સમાજને મળેલ.
વાડીની ખાલી જગ્યા પ્રાપ્ત થતાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ વિલાયતી નળીયાવાળી આ જગ્યાને સામાન્ય રીપેરીંગ/વ્હાઈટ વોશ વિગેરે કરવામાં આવેલ અને જ્ઞાતિજનોના ઉપયોગ માટે તા. ૧૯-૨-૧૯૮૧ના રોજ ખુલ્લી મુકવામાં આવેલ ત્યારબાદ આ જગ્યાનું તબક્કાવાર નવ નિર્માણ કાર્ય સ્થાનિક જ્ઞાતિજનોના ઉદારદિલ સહકારથી અને કાર્યકર્તાઓના સંનિષ્ઠ પ્રયાસોથી નીચેની વિગતે હાથ ધરવામાં આવ્યું.
વાડીની જૂની મોટી જગ્યા ભાડુઆતો પાસેથી મળી – તા. ૧૨-૬-૧૯૭૯
વાડીની જૂની જગ્યા જ્ઞાતિજનો માટે વપરાશમાં આવી – તા. ૧૯-૨-૧૯૮૧
ગ્રાઉન્ડ ફ્લોરનું (પાર્ટ) નવનિર્માણ (પ્રથમ તબક્કો) – ઈ.સ. ૧૯૮૧ થી ૧૯૮૪
ગ્રાઉન્ડ ફ્લોર તથા ફસ્ટ ફ્લોરના ભોજન પડથારનું નવનિર્માણ (બીજો તબક્કો) – ઈ.સ. ૧૯૯૪ થી ૧૯૯૫
દ્વિતીય માળનું નવનિર્માણ (ત્રીજો તથા ચોથો તબક્કો) – ઈ.સ. ૨૦૦૫-૨૦૦૬
આમ ફક્ત ૨૫ વર્ષના ગાળામાં ત્રણ મજલાની વાડીનું ભવ્ય નવનિર્માણ આપણે કરી શક્યા છીએ. હાલ આપણા જામનગર સમાજની ગૌસ્વરૂપ આ વાડીનો ઉપયોગ આપણા સમાજના આશરે ૧,૦૦૦ પરિવારો (કુલ વસતિ આશરે ૬,૦૦૦) દ્વારા કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં સોની સમાજની વાડીઓ પૈકી જામનગરની આ પ્રથમ નંબરની સગવડતાવાળી ભવ્ય આપણી આ વાડી છે. તેમજ શહેરના અન્ય જ્ઞાતિજનો, સંસ્થાઓ દ્વારા વાડીનો ઉપયોગ કરી વાડીની જગ્યાની મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળે છે.
શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ